Jul 062009
 

 Dutt Bawani

જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ;
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.

બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર;
અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ.

ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય;
ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.

આવ્યો શરણે બાળ અજાણ; ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ !
સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત્;

દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંત મુક્તિ મહાપદ સાર.
કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ !

વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ,
જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવ.

વિસ્તારી માયા દિતિસુત, ઇન્દ્રકરે હણાવ્યો તૂર્ત
એવી લીલા કંઇ કંઇ શર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.

દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,
બોધ્યા યદુને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.

એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?
દોડ, અંત ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત !!

જોઇ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ;
સ્મર્તૃગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.

પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણશેઠ ઉગાર્યો ક્ષુપ્ર ;
કરે કેમ ના મારી વ્હાર ? જો આણીગમ એક જ વાર!!

શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?
જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યા સફળ તેં સુતનાં કૃત્સ્ન.

કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીદા પૂરણ એના કોડ.
વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.

ઝાલર ખાઇ રીધ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.
બ્રાહ્મણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર !

પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઊઠાડ્યો શૂર;
હરી વિપ્રમદ અત્યંજહાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત!!

નિમિષમાત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રીશૈલે દેખ!
એકીસાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ,

સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત્.
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,

રામકૃષ્ણરૂપે તેં એમ, કીધી લીલાઓ કંઇ તેમ.
તાર્યાં પથ્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!

અધમઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ !
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ! ટળે સ્મરણમાત્રથી સર્વ !

મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ.
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર

નાસે મૂઠી દઇને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત.
કરી ધૂપ ગાએ જે એમ ‘દત્તબાવની’ આ સપ્રેમ,

સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંયે શોક !
દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેનાં જાય !

બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ,
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.

અનેક રૂપે એજ અભંગ, ભજતાં નડે ન માયા-રંગ.
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!

વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ નારા નિર્ધાર !
થાકે વર્ણવતાં જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ ?

અનુભવ-તૃપ્તિનો ઉદ્દગાર, સૂણી હસે તે ખાશે માર.
તપસી ! તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ !

અવધૂતચિંતન શ્રીગુરુદેવદત્ત

Print Friendly, PDF & Email

 Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

(required)

(required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.